Archive for જૂન, 2009

પીછાણ પુરાણી

સ્કુલ કે કોલેજમાં સાથે ભણેલ બે મિત્રો વર્ષો પછી અચાનક મળી જાય ત્યારે બંનેના ચહેરા ઉપર વર્ષોની પરતો ચડી ગઈ હોય એટલે એકદમ ઓળખી શકાય નહી પરંતુ જ્યારે બંનેની આંખો ટકરાય અને તારા મૈત્રક રચાય ત્યારે ચહેરા ઉપર વર્ષોની ચડેલી પરતો એક પછી એક ઉતરવા માંડે છે અને ૫૫-૬૦ ના ચહેરાની પાછળ ઢંકાયેલો અસલ ચહેરો છતો થઈ જાય છે. બંનેની આંખો માં પુરાણી પીછાણ તગતગવા માંડે અને યાદોના ગુલાબ મઘમઘવા માંડે છે તેવો ભાવ રજુ કરતી મારી એક ગઝલ પ્રસ્તુત છે.

પીછાણ બહુ પુરાણી આંખોમાં તગતગે છે,
યાદોની ક્યારીઓ માં ગુલાબ મઘમઘે છે.

વર્ષો વિત્યા મળ્યાને પણ કાલ જેવું ભાસે,
ભેટ્યા હતા પરસ્પર, ગરમાટ રગરગે છે.

ભૂલી ગયો છું એને, હું એવું માનતો’તો ;
નો’તી ખબર કે ભીતર તણખાઓ ધગધગે છે.

અંધકારમાં વિરહના દીપ યાદનો જલે છે,
જાણે અમાસી રાતે એક તારો ઝગમગે છે.

તારી જુની ગલીમાં તું ક્યાં હવે રહે છે ?
ત્યાંથી ગુજરતાં તો યે “મન” શાને ડગમગે છે?

Advertisements

જૂન 24, 2009 at 1:31 પી એમ(pm) 9 comments

ગઝલ- મારું ઘર ક્યાં છે ?

ગઝલની ફિતરત-ખાસિયત છે કે દરેક શેર માં સ્વતંત્ર ભાવ- અલગ મિજાજ હોય. એવી એક ગઝલ પેશે-ખિદમત છે. સામાન્ય રીતે મને ગઝલ પૂરી કરવામાં/લખવામાં દિવસો અને ઘણી વખત તો મહિનાઓ વીતી જાય છે. પરંતુ પ્રસ્તુત ગઝલ અમદાવાદથી પાલનપુર ની ટ્રેઈન સફરમાં એકી બેઠકે લખાયેલી. આ ગઝલ લઈને જ્યારે શબ્દ સાધના ની રવિસભાની બેઠક માં ગયેલો ત્યારે શ્રી મહેશભાઈ મકવાણા (પ્રિન્સિપાલ, બી.કે.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,પાલનપુર) એ આ ગઝલ વાંચી ને તેમના સુમધુર કંઠે ‘ બહારોં ફૂલ બરસાઓ ‘ ની તર્જ માં ગાઈ સંભળાવેલી અને રવિસભાના સભ્યોની ખૂબ દાદ મેળવેલી. આપ પણ ગુનગુનાવી જોજો અને આપનો અનુભવ અને મૂલ્યવાન અભિપ્રાય જણાવશો.

ગઝલ- મારું ઘર ક્યાં છે ?

ભટકવામાં હવે ભૂલી ગયો છું મારું ઘર કયાં છે !

બતાવે રાહ, ઝાલી હાથ એવો રાહબર ક્યાં છે !

મને એની ખબર ના પૂછશો થોડી દયા રાખી,

હવે એની ખબર તો શું, મને મારી ખબર ક્યાં છે !

મને દફનાવવાની એમને શાની ઉતાવળ છે ?

જરા પૂછી તો લેવા દો, ભલા મારી કબર ક્યાં છે!

હવે આવી ગયા છો તો કરી લો રાતવાસો પણ;

ફરી મળવા સુધીની રાહ જોવાની સબર ક્યાં છે!

વિનંતિ એમને ‘મન’ થી કરું છું એટલી હું તો,

જરા એ તો કહો મારી મહોબ્બતમાં કસર ક્યાં છે!

જૂન 15, 2009 at 1:41 પી એમ(pm) 9 comments

મંગલ પ્રારંભ

આજે તારીખ છે ૧૪ જુન્ ૨૦૦૯. આજથી ૬૧ વર્ષ પહેલાં આજ દિવસે આ જગત માં મારું અવતરણ થયું હતું. અને આજે ૬૧મા વર્ષે બ્લોગ જગત માં હું અવતરણ પામી રહ્યો છું.

પરમ ક્રુપાળુ પરમાત્માની પરમક્રુપાથી કોઈ પણ વ્યક્તિ સામાન્યરીતે જે અપેક્ષા રાખે તે બધું જ મને પ્રાપ્ત થયું છે. એ જગતનિયંતા ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા એના અસ્તિત્વ અને એના નિર્ણયોમાં અતૂટ શ્રદ્ધા દર્શાવતી મારી છેલ્લામાં છેલ્લી લખાયેલી એક ગઝલથી આ બ્લોગનો મંગલ પ્રારંભ કરુ છું .

એના ભરોસે…..

એના ભરોસે આવ, બસ એના ભરોસે,

હંકાર તારી નાવ, બસ એના ભરોસે.

લઈ જઈ શકો ના કાંઇ પણ બીજું અહીંથી;

સારાં કરમ લઈ જાવ, બસ એના ભરોસે.

એની હકીકત્, એ કહાણી, એ જ વાતો;

એનાં જ ગુણલાં ગાવ, બસ એના ભરોસે.

છોડ્યું બધું અભિમાન જઈ એના શરણમાં;

છું બેફિકર હું સાવ, બસ એના ભરોસે.

જે પણ થયું સારૂં થયું, સારૂં જ થાશે;

‘મન’માં ભરી લો ભાવ, બસ એના ભરોસે.

જૂન 14, 2009 at 4:05 પી એમ(pm) 18 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,729 hits
જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: