રહીશું ક્યા સુધી ફરતા ?

ઉપાડી લાશ સગપણની રહીશું ક્યા સુધી ફરતા ?
ગણો છો જેમને ઘરનાં,નથી તમને કશું ગણતા.
 
બધાં સંબંધ મતલબના થયા પુરા હવે, સમજો;
હવે તો ભઈ બની ભય રાહ ઉપર શુલ પાથરતા.
 
દગાબાજો ન આવે બાજ એની હરકતો માંથી ,
તમે ભોળા નહી, પણ બેવકુફોમાં થયા ખપતા.
 
મઝા લે છે શિકારી દોડતા હરણાને જોઇને ,
કદી એનું હૃદય થડકે નહી નિર્દોષને હણતા.
 
બધાં જોશે તમાશો ને દયા ખાશે મનોમન પણ,
નહી રોકી શકે દુષ્ટોને કોઈ દુષ્ટતા કરતા .
Advertisements

માર્ચ 7, 2013 at 8:07 પી એમ(pm) 16 comments

સીતા હરતા થયા નેતા

શરમ શરમાઇ જાયે એ હદે નકટા થયા નેતા,
બનીને નગ્ન રસ્તા પર બધા ફરતા થયા નેતા.

સલામી આપતાં અચકાય ના એ દેશદ્રોહીને
શહીદોની શહાદત પર વળી હસતા થયા નેતા,

કસાબો અફઝલો પાછળ કરોડોના કરે ખરચા,
વધારી મોંઘવારી ને ઘણા સસ્તા થયા નેતા,

ભરે છે પેટ ને ખિસ્સા,વધારી મિલ્કતો અઢળક,
ડુબાડી આમ જનતાને બધા તરતા  થયા નેતા,

નથી કંઈ માપ અત્યાચાર-પાપાચારનું રાખ્યું,
કરી કૌભાંડ ભ્રષ્ટાચારને ભજતા થયા નેતા,

જરૂરત શું હવે રાવણ સરીખા દુષ્ટ દાનવ ની
હવે તો  રામના વેશે સીતા હરતા થયા નેતા,

ડિસેમ્બર 22, 2012 at 1:17 પી એમ(pm) 8 comments

ફરી પાછું મળી જાયે

 

હતી જેવી દશા ત્યારે ફરી એવી જ થઈ જાયે
ખુદાયા,કાશ એ બચપન ફરી પાછું મળી જાયે

નદી જેવી રવાનીથી વહે આ જિંદગી મારી
ફરક ગમ યા ખુશીનો સાવ બે-મતલબ બની જાયે

હવે એવા મુકામે પહોંચવું છે હે ખુદા મારે,
બધી અપમાન કે અવમાનની ચિંતા મટી જાયે.

નથી અમને પડી કે ના કદી તમને ય પડવાની
લખેલું જે મુકદ્દરમાં,ખબર ક્યાંથી પડી જાયે ?

ગઝલ મારી નથી વિદ્વાન કે પંડીતની ભાષા,
સરળને સાદગીથી વાત એ ‘મન’ની કહી જાયે

ઓક્ટોબર 17, 2012 at 11:10 પી એમ(pm) 16 comments

કારણ શું પછી !

બંધારણ – લગાગાગા લગાગાગા લગાગાગા લગા
કાફીયા  – એકાક્ષરી કાફીયા- શું,છું,તું વગેરે.

બધું ક્યારેક તો છોડી જવાનો છું પછી,
ધમાલો આટલી કરવાનું કારણ શું પછી !

હજારો સંત સાધુઓ પધારે છે અહીં,
કરી લે ફંડ ફાળો,કોણ તું ને હું પછી.

ઘણી વાતો કરે છે શાણપણની આમ તો,
અમલ એકેય બાબતનો કરે છે તું પછી ?

ભલે મારે બડાશો બહાર એ લોકો સમક્ષ,
કરી શકતો નથી આવીને ઘરમાં,ચું પછી.

કરો વિશ્વાસ ‘મન’, પણ ચેતતા રહેજો જરા,
સુંવાળા સાપ પાળો તો કરે છે ફૂં પછી.

ઓગસ્ટ 18, 2012 at 2:55 એ એમ (am) 10 comments

છટકી જવાય ના.

ફરી એક વાર આપનો આ દોસ્ત વર્ડપ્રેસ ઉપર હાજર છે એક નવી-તાજી ગઝલ સાથે.

 

આટલે આવીને તો અટકી જવાય ના,
સાથ છોડી રાહમાં છટકી જવાય ના.

ભૂલભૂલૈયા ભરેલી રાહમાં જરા
સાચવીને ચાલજો ભટકી જવાય ના

લાગણી નાજુક તમારી કાચ જેવી છે
ઠેસ લાગે તો પછી બટકી જવાય ના.

એમ તો ચાલ્યા કરે રુસણાં મનામણાં
વાતવાતે હાથને ઝટકી જવાય ના

વાર લાગે છે ઘણી ‘મન’ પારખી લેતાં,
ડાળ નીચી જોઇને લટકી જવાય ના.

ઓગસ્ટ 2, 2012 at 11:02 પી એમ(pm) 27 comments

વિસામા બની ગયા.


નવરા પડી ગયા તો નકામા બની ગયા
સૌની નઝરમાં ઢોર હરાયા બની ગયા

આણે કીધું તો આમ, તેણે કીધું તો તેમ,
જાણે અજાણે કોકના હાથા બની ગયા

ભોળા ભલા થવામાં હવે કંઈ નથી મઝા,
ભોળા બધા ડોબા અને બાઘા બની ગયા.

ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.

છોડો, તમોને ફાવશે ના રીત રમતની
અમથા તમે શતરંજના પ્યાદા બની ગયા.

ફેબ્રુવારી 27, 2012 at 8:50 પી એમ(pm) 9 comments

ખતા ખાધી અમે


જો ફરીથી આજ તારી વાત ના માની અમે,
હો ગમે તે કોઇ કારણ,પણ ખતા ખાધી અમે.

જાણવા જેવી હશે વાતો ઘણી સંસારમાં,
તે છતાં એકે ય સારી વાત ના જાણી અમે.

રણ નવા શોધ્યા કર્યા ‘ને ઝાંઝવા પીતા રહ્યા,
લાખ કોશિશ બાદ પણ,પામ્યા નહી પાણી અમે.

શું કરે એ બાગબાં,,ખીઝાં ન છોડે સાથ જો,
જે કદી મહેક્યો નહી એ બાગના માળી અમે.

તે પછી તો કેટલાં પાણી નદીમાં વહિ ગયાં,
કેટલી જૂની અદાવત પેટમાં દાબી અમે !

એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે.

‘મન’ અમારૂં આજ પણ એના વગર ઝૂરી રહ્યું,
એ ભલે પરવા ન રાખે જેટલી રાખી અમે.

મે 12, 2011 at 4:18 પી એમ(pm) 18 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,848 hits
જાન્યુઆરી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031