શ્રધ્ધાંજલિ

આજે ૨૬/૧૧ એટલે ગયા વર્ષે આ દિવસે મુંબઈમાં થયેલા હિચકારા હુમલામાં વીરગતિ પામેલા જાંબાઝ શહીદોની પ્રથમ પૂણ્યતિથી. બનાસકાંઠા શબ્દ સાધના પરિવારે આ શહીદોને શ્રધ્ધાંજલિ આપવા ગયા વર્ષની ૧૦મી ડિસેમ્બરે શ્રધ્ધાંજલિ મુશાયરાનું પાલનપુરમાં આયોજન કર્યું હતું. આ મુશાયરામાં મેં રજુ કરેલી મારી રચના દ્વારા આજે એ મહાન શહીદોને શ્રધ્ધાંજલિ રૂપે આ શબ્દાંજલિ અર્પણ કરું છું.

આ પાપીઓને ક્યાં સુધી પંપાળશો ?
મા ભારતીને ક્યાં સુધી તડપાવશો ?
હદ થાય છે આતંક -અત્યાચારની,
ત્રિનેત્ર ત્રીજું નેત્ર ક્યારે ખોલશો ?

શાસક બન્યા છે સ્વાર્થમાં ધ્રુતરાષ્ટ્ર ને,
દુશ્મન તણી પીઠ થાબડે છે કૌરવો,
જનતા બિચારી રાંક થઈ વિનવી રહી,
અવતાર લઈ શ્રીક્રીષ્ણ ક્યારે આવશો?

હણવા હરામી લોકને જંગે ચઢ્યા,
મા-ભોમના નવલોહિયા રણબંકડા,
બલિદાન દઈ પ્રાણો તણું ચાલ્યા ગયા;
એ રૂણ બોલો કઈ રીતે ઉતારશો ?

આવો મળીને આજ સૌ લઈએ શપથ,
આતંકવાદીને ઉઘાડા પાડશું,
હિંદુ-મુસ્લીમ ભાઈ સૌ ભેગા મળી,
શ્રધ્ધાંજલિ શહીદોને ‘મન’થી આપશું.

4 comments November 26, 2009

પુનરાગમન….

મિત્રો,

ભારત આવ્યાને દસેક દિવસ થઈ ગયા. ગઈ કાલે ઇન્ટરનેટ કનેક્શન મળી ગયું એટલે હવે પુનઃ બ્લોગ મિત્રો સાથે સત્સંગ શરુ કરુ છું.

આજે પહેલાં એક મુક્તક અને પછી એક નવી ગઝલ સાથે પુનરાગમન….

મુક્તક ઃ

ભરોસો કેટલો રાખે તમારા બોલ પર કોઇ ?
તમે કાલે કરેલી વાત આજે ફેરવી દો છો ;
નથી તમને કશી યે શર્મ કે સંકોચ યા પરવા,
ગમે ત્યારે તમે સચ્ચાઈમાં જૂઠ ભેળવી દો છો.

ગઝલ ઃ

સિતમગરના સિતમ તો હું હંમેશાં યાદ રાખુ છું
છતાં એના તરફ મનમાં કદી ક્યાં દાઝ રાખુ છું?

નથી તોડી શકાતો સાવ નાતો એમનાથી પણ,
સંબંધો રાખવામાં હું બરાબર માપ રાખુ છું .

હશે મારું મુકદ્દર કે રહ્યો આઘો સફળતાથી,
નહી તો ક્યાં પ્રયત્નોમાં કશી કચ્ચાશ રાખુ છું?

મને જે પણ મળે તેના હ્રદયમાં ઘર કરી જાઉં,
જીવનભર ના મિટે એવી અનોખી છાપ રાખુ છું.

બધી કડવાશ પી જઈને સહી લઊં ઘાવ મિત્રોના,
ખુદા દેજે સબળ’મન’, એટલી બસ આશ રાખુ છું.

10 comments November 14, 2009

અલવિદા….

મિત્રો,

અમેરિકામાં રહીને ફક્ત સમય પસાર કરવાના ઉદ્દેશથી શરુ કરેલ બ્લોગ પ્રવ્રુત્તિએ મને આપ સૌ જેવા સહ્રદયી મિત્રો મેળવી આપ્યા છે.આપ સૌની હુંફથી અમેરિકાનિવાસ નો સમય ખુબ જ સારી રીતે પસાર થયો અને પ્રમાણમાં ખુબ સારી સર્જન પ્રવ્રુત્તિ થઈ શકી તે માટે આપ સૌનો તહે-દિલથી આભાર માનું છું.આપ સૌને જણાવું કે હવે અમેરિકામાં રહેવાની મુદત પુરી થઈ છે એટલે આવતીકાલે,શનિવારે માત્રુભૂમિ,ભારત તરફ પ્રયાણ કરવાનો છું. ભારત,પાલનપુર પહોંચીને ઇન્ટરનેટ જોડાણની વ્યવસ્થા થાય ત્યાં સુધી અલવિદા….

આવજો.

‘મન’ પાલનપુરી (મનહર એમ.મોદી)

3 comments October 31, 2009

છાની છપની વાત

નવા વર્ષના નૂતન પ્રભાતે એક નવી ગઝલથી શુભ શરૂઆત કરું છું.આશા રાખું છું કે ગત વર્ષે મળ્યો એવો અને એથી યે અદકો પ્રેમભાવ અને પ્રતિભાવ નવા વર્ષમાં પણ મળતો રહેશે.

છાની છપની વાત કોઇ થાય છે,
ગામ આખામાં પછી ચર્ચાય છે.

આમ તો ઈચ્છા કદી ખૂટતી નથી,
પણ,બધી ઈચ્છા પુરી ક્યાં થાય છે !

આપણે તો હોય રોકી રાખવું,
જે જવાનું હોય તે તો જાય છે.

હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
પારકાંને ક્યાં બધું કહેવાય છે ?

‘મન’મને પણ થાય કે કહિ દઉં બધું,
જીભ જાણે કેમ, પણ અચકાય છે.

17 comments October 19, 2009

સાલ મુબારક

સર્વે બ્લોગ મિત્રોને નવા વર્ષની હાર્દિક વધામણી.નવું વર્ષ સૌને સુખ,શાંતિ અને સમ્રુધ્ધિ આપનારું નીવડે એવી શુભેચ્છા સાથે સૌને ‘સાલ-મુબારક’. આ શુભ પ્રસંગે એક શુભ સમાચારઃ

ગયા રવિવારે (11th october,2009)અહિં અમેરિકામાં ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં મહેમાન તરીકે હાજરી આપવાની તક મળી. મજાની વાત તો એ બની કે તે દિવસે મુખ્યમહેમાન હતા ગુજરાતી સાહિત્યના એક સુપ્રસિદ્ધ વયોવ્રુદ્ધ લેખક અને રેશનાલીસ્ટ પ્રવ્રુત્તિના સૂત્રધાર એવા શ્રી રમણ પાઠક જેઓની ‘રમણ ભ્રમણ’ કોલમ ખુબ જાણીતી છે.એવા મહાનુભાવ સાથે બેસવાનો લાભ મળ્યો અને મારી રચના સંભળાવવાનો અવસર પણ મળ્યો.

આ પ્રસંગે મારા સુપુત્ર આશિષે લીધેલો એક ફોટો આજે આ બ્લોગના માધ્યમથી આપ સૌ મિત્રો સાથે share કરું છું.
Gujarat Darpan

3 comments October 17, 2009

બાવાના તો બંને બગડ્યા

પોતાના એક નાનકડા ઘર-સંસારનો ત્યાગ કરી ને ઘણાખરા સાધુ-સન્યાસી મોટા વિશાળ ભક્ત સમુદાય- સંપ્રદાય-મઠ-આશ્રમ જેવા સંસાર વસાવે છે. એ હકીકતને અનુલક્ષીને એક પંક્તિ સૂઝીઃ ‘છોડ્યા થોડા, ઝાઝા પકડ્યા’ અને આ પંક્તિની આંગળી ઝાલીને પાંચ શેરની એક ‘હઝલ’નો જન્મ થયો તે આપ સૌ મિત્રો સમક્ષ આપના પ્રતિભાવોની અપેક્ષા સાથે આ બ્લોગ ના માધ્યમથી રજુ કરું છું.

છોડ્યા થોડા,ઝાઝા પકડ્યા
બાવાના તો બંને બગડ્યા.

બિલ્લીને તો જલ્સા છે ભૈ,
બંદર બંદર છોને ઝગડ્યા.

‘મા’ના મોતે રડ્યો નહિ પણ,
પોક મૂકી જો શેરો ગગડ્યા.

લાંબી ટૂંકી કરવામાં તો,
ભઈના વાજાં હજી ના વગડ્યા.

‘મન’ની તો કાળાશ મટી ના,
સાબુ પાણી ખાસ્સા રગડ્યા.

16 comments September 26, 2009

વાત જે વર્ષો સુધી કહેવાઈ ના

વાત જે વર્ષો સુધી કહેવાઈ ના,
કેમ જાણે આજ એ રોકાઈ ના !

જે હતી કાલે દશા આજે ય છે,
કેમ એ પહેલાં તને દેખાઈ ના?

હું તને મારો ગણી રાજી થતો,
કોઈનાથી એ ખુશી સહેવાઈ ના.

આ નજરથી હું જગત જોતો રહ્યો,
પણ મને એની લીલા સમજાઇ ના.

‘મન’ વગર તો માળવે પહોંચાય શું ?
એની સમજમાં આવી આ સચ્ચાઇ ના

15 comments September 15, 2009

તારી દુવાઓ

હવે એવી અસર ક્યાંથી કરે તારી દુવાઓ !
ધરાવે છે કશી ઇર્ષા હવે તારી દુવાઓ.

નથી પહેલાં સમી તારી અમીભર આંખડી પણ,
જમાનો જોઈને કરવટ ફરે તારી દુવાઓ.

કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે,
નહીં તો કેમ ખાલી જાય છે તારી દુવાઓ !

ખુદા પણ જો ભળી જાયે હરીફોમાં પછી તો,
બિચારી કેટલે પહોંચી શકે તારી દુવાઓ.

નથી પડતું કદી સીધું હવે એકેય પાસું,
મનો’મન’ તું તપાસી લે ભલે તારી દુવાઓ.

10 comments August 22, 2009

ગઝલનો તાલ

તમે દેતા રહો મારી ગઝલને દાદ,બસ
પછી જોતા રહો મારી ગઝલનો તાલ,બસ.

અચાનક છાઈ ચ્હેરા પર ઉદાસી કેમ છે !
કશું આવી ગયું જાણે અજાણે યાદ,બસ.

જગત આખું મને ભૂલી જશે તો ચાલશે,
સદા રહેજો તમે દિલમાં કરીને વાસ,બસ.

નથી પરછાંઇનો એમાં જરાયે વાંક પણ,
હશે અજવાસ દેશે ત્યાં સુધી એ સાથ,બસ.

વતન જેવું મને લાગી રહ્યું પરદેશમાં,
મળે સૌ આપણાં, તો ‘મન’ રહે છે શાંત,બસ.

9 comments August 8, 2009

ફારસીના બે શેર

હું અમેરીકામાં જ્યાં રહું છું તે એરિયા SOUTH BRUNSWICK માં એક લાયબ્રેરી છે. જેનું નામ SOUTH BRUNSWICK PUBLIC LIBRARY (SBPL) છે. ત્યાં થોડાંક ગુજરાતી પુસ્તકો પણ છે. તેમા સ્વ. શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું એક પુસ્તક મળ્યું, “દેશ પરદેશ “. પરદેશની લાયબ્રેરી માં આપણા ગુજરાતી લેખક્નું પુસ્તક જોવા મળે તો સ્વાભાવિક જ એક ગુજરાતી તરીકે આનંદ થાય અને તેમાં ય આ બક્ષી સાહેબ તો અમારા પાલનપુરના, હમવતન. એટલે આનંદ બેવડાઈ ગયો. પુસ્તક વાંચતાં એક લેખ નીચે તેઓશ્રીએ ફારસીના બે શેર ગુજરાતી તરજૂમા સાથે મૂક્યા હતા તે ગમી ગયા એટલે આપ સૌની સાથે share કરવા અહીં મૂકું છું.

ફારસી કવિ “હાફિઝ” શિરાઝીના “ફાલનામા” (ભવિષ્યવાણી)માંથી બે શેર ઃ

અબલહનરા હમા શરબત ઝે ગુલાબો કંદસ્ત
ક્રુતે દન હમ અઝ ખૂને જિગર ભી બિનમ

(અર્થ ઃ મૂર્ખ અને નાલાયક લોકોને સ્વાદિષ્ટ ભોજન અને શરબત મળી રહ્યાં છે, જ્યારે વિદ્વાન અને લાયક લોકોને હું પોતાના જિગરનું લોહી પીતાં જોઇ રહ્યો છું)

-અસ્પેતાઝી શુદેહ મજરૂહ બઝીરે પાલાં
તોકે ઝરી હમાદર ગર્દને ખર બી નમ

(અર્થ ઃ તુર્ક નસ્લનો જાતવાન ઘોડો ચાબૂકના મારથી જખમી થયો છે, જ્યારે ગધેડાના ગળામાં જરીના પટ્ટા જોઇ રહ્યો છું.)

6 comments July 27, 2009

Previous Posts


Recent Posts

Recent Comments

NARENDRA JAGTAP on શ્રધ્ધાંજલિ
ઈશ્ક પાલનપુરી on શ્રધ્ધાંજલિ
Daxesh on શ્રધ્ધાંજલિ
પંચમ શુક્લ on શ્રધ્ધાંજલિ
વિવેક ટેલર on પુનરાગમન….
Pancham Shukla on પુનરાગમન….
amit pisavadiya on પુનરાગમન….

Pages

Categories

Top Posts

Blogroll

Blog Stats

Archives

 

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Authors